યોહાન

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21


પ્રકરણ 1

જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો.
2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો.
3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.
4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.
5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
6 ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
7 યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.
8 યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો.
9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.
11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ.
12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”
16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.
17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.
18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”
20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3
24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા.
25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી.
27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’
31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”
32 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે. યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો.
33
34 તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.”‘
35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા.
36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”
37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા.
38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)
39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.
40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનોભાઈ હતો.
41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)
42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, ‘તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે. (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)
43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.”
44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”
46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?” ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”
47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”
48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”
49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”
50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.”
51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”