યર્મિયાનો વિલાપ

1 2 3 4 5


પ્રકરણ 4

સોનું કેવું ઝાંખું પડ્યું છે, ને કુંદન બદલાઇ ગયું છે. પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓને ખૂણે વિખેરાઇને આમતેમ પડ્યા છે.
2 સિયોનના અમૂલ્ય પુત્રો જે કુંદન જેવા છે. તેઓ શા માટે માટીના ઘડાના મૂલમા લેખાય છે?
3 શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાડીને ધવડાવે છે પરંતુ મારી પ્રજા વગડાના શાહમૃગ જેવી લાગણી શૂન્ય થઇ ગઇ છે.
4 તરસને કારણે બાળકોની જીભ તાળવે ચોંટી રહે છે, અને બાળકો ખોરાકને માટે ભીખ માંગી રહ્યા છે. પણ તેમ છતાં કોઇ તેમને કશું પણ આપતું નથી.
5 પાંચ પકવાન ખાનારા રસ્તે રઝળીને મરે છે. રેશમી વસ્ત્રોમાં ઊછરેલાં ઉકરડે આળોટે છે.
6 મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે, અને સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું છે; છતાં પણ કોઇ માણસે તેમને હાથ લગાડયો નથી.
7 તેના ચુનંદા વીરો હીમ કરતાં ય સ્વચ્છ હતા, અને દૂધ કરતાં ય ધોળા હતા. તેમનાં શરીર પરવાળાં કરતાં ય લાલ હતાં અને તેમની નસો નીલમણી જેવી નીલ હતી.
8 પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે, ઓળખાતા નથી. તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે; તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.
9 ભૂખથી મરનાર કરતાં તરવારથી મરનાર વધારે નસીબદાર હતા; તેમના જીવનો અન્નજળ વિના વહી ગયાં છે કારણકે ત્યાં લણવા માટે ધાન નહોતું.
10 મારી પ્રજા પર એવી આફત ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના પેટનાં છોકરાંને પોતાના હાથે રાંધીને ખાવા પડ્યાં.
11 યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો. અને તેમણે તેને આગની જેમ વરસાવ્યો હતો. સિયોન નગરીમાં એવી આગ ચાંપી હતી જે તેના પાયાને સુદ્ધાં ભરખી ગઇ.
12 દુનિયાના કોઇ રાજા કે લોકોએ ધાર્યું નહોતું, કે યરૂશાલેમના શત્રુઓ તેમના દરવાજેથી પસાર થશે.
13 પણ બન્યું એમ, પ્રબોધકોના પાપે; અને યાજકોના અન્યાયને કારણે; તેમણે નગરમાં ન્યાયીઓનું લોહી વહાવ્યું છે.
14 તેઓ શેરીએ શેરીએ આંધળાઓની જેમ ભટકયાં. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઇ તેઓના વસ્ત્રોને અડકી શકતું નથી.
15 તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા; હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ, તેના કારણે તેઓ શહેરને છોડીને આમતેમ ભટકવા લાગ્યાં. રાષ્ટો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે, “તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”
16 યહોવાએ જાતે જ તેમને વેરવિખેર કરી નાખ્યા. અને પછી તેમણે તેમના ભણી જોયું જ નહિ. તેમણે યાજકો પ્રત્યે આદર ન દાખવ્યો કે વડીલો પર જરાયે દયા ન રાખી.
17 મદદની આશામાં સમય જોઇ જોઇ, અમારી આંખો પણ થાકી ગઇ. પ્રજા રક્ષકની આશાએ રાહ જોઇ રહી પરંતુ અમને બચાવવા કોઇ ન આવ્યું.
18 દુશ્મનો અમારી પાછળ પડ્યા હતાં અને અમે રસ્તે ચાલી નહોતા શકતાં. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા.
19 આકાશના ગરૂડ કરતાંય ઝડપથી તેઓએ અમારો પીછો કર્યો; પર્વતો પર પણ તેમણે અમારો પીછો કર્યો; ને રાનમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઇ ગયા.
20 યહોવાથી અભિષિકત થયેલો જે અમારા માટે નાકમાંના શ્વાસ જેટલો મહત્વપૂર્ણ હતો તે અમારા શત્રુઓના બંદીવાસમાં બંદી થઇ પડ્યો હતો, અમે કહેતા હતા “અમે તેની છત્રછાયામાં અમારા શત્રુઓની વચ્ચે સુરક્ષિત છીએ.”
21 અદોમના લોકો આનંદ માણો, તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે. પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.
22 હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે. હવે તને યહોવા દેશવટે નહિ રાખે. હે અદોમ, યહોવા તને તારા અપરાધની સજા, કરશે અને તારા પાપ ઉઘાડા કરશે.