યોએલ

1 2 3


પ્રકરણ 2

સિયોનમાં રણશિંગડું વગાડો, મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો. દેશના સર્વ લોકો, થરથરી ઊઠો, કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે. તે છેક નજીક છે.
2 અંધકાર અને વિષાદનો તે દિવસ છે. વાદળો અને અંધકારનો દિવસ. પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે. એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે, મોટી તથા બળવાન પ્રજા આવશે.
3 અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે. તેમની પાછળ જવાળાઓ લપકારા મારે છે. તેમની સમક્ષની ભૂમિ આદમના બગીચા જેવી છે. પરંતુ તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી છે. હા, કશું જ રહેતું નથી.
4 તેમનો દેખાવ ઘોડાઓના જેવો છે; અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
5 તેઓ શિખરો પર ગડગડાટ કરતાં, રથોની જેમ આગળ ઘસી રહ્યાં છે, ઘાસ બળતી જવાળાઓના લપકારાની જેમ અને યુદ્ધભૂમિમાં શકિતશાળી સૈનાની જેમ આગળ વધે છે.
6 તેમને જોતાં પ્રજાઓ ધ્રુજી ઊઠે છે. ભયને કારણે સૌના ચહેરા ઉપરથી લોહી ઊડી જાય છે.
7 આ ‘યોદ્ધાઓ’ પાયદળની જેમ દોડે છે, અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે. તેઓ બધા એક હરોળમાં ખસે છે અને તેમની હરોળથી હટતાં નથી.
8 તેઓ એકબીજાને ધક્કો નથી મારતાં અને હરોળમાં રહે છે. જ્યારે તેઓ શસ્ત્રો સમક્ષ પડે ત્યારે, તેઓ ક્રમ તોડતાં નથી.
9 તેઓ શહેરમાં ઉમટયા છે. તેઓ દીવાલોની એક તરફથી બીજી તરફ દોડે છે. તેઓ મકાનોની અંદર ચઢી જાય છે. અને બારીઓમાંથી ચોરની જેમ પ્રવેશે છે.
10 ધરતી તેમની આગળ ધ્રુજે છે અને આકાશ થરથરે છે, સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે અને તારાઓ તેજસ્વીતા ગુમાવે છે.
11 યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે. તેમનું સૈન્ય મોટું છે, અને તેમની આજ્ઞા પાળનારાઓ શકિતશાળી છે. યહોવાનો ન્યાયનો દિવસ ભયંકર અને બિહામણો છે. એની સામે કોણ ટકી શકે?
12 તોપણ, યહોવા કહે છે, “હજી સમય છે સાચા હૃદયથી તમે મારી પાસે પાછા ફરો. ઉપવાસ કરી, રૂદન કરો, ને આક્રંદ કરો.
13 તમારાં વસ્ત્રો નહિ, હૃદયો ચીરી નાખો. તમારા યહોવા દેવ પાસે પાછા ફરો. તે દયાળુ અને કૃપાળુ છે. તે ગુસ્સે થવામાં ધીમો છે અને તેની પાસે અનેરો પ્રેમ છે અને તે ન્યાયના ચુકાદાને લગતો તેનો વિચાર બદલે છે.
14 કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે. ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.
15 સિયોનમાં રણશિંગડું વગાડો, પવિત્ર ઉપવાસ જાહેર કરો; અને ધામિર્ક સભા માટે લોકોને ભેગા કરો.
16 લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો. વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.
17 યાજકો, જે યહોવાના સેવકો છે, તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે, “હે યહોવા, તારા લોકો પર દયા કર. વિદેશીઓને તેમને હરાવવા ન દો. તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો, જેઓ દરેકને કહે છે, “તેઓનો દેવ કયાં છે?”
18 ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઇ, ને તેને પોતાના લોકો પર દયા આવી.
19 યહોવાએ પોતાના લોકોને જવાબ આપ્યો, “જુઓ, હું તમને સંતોષ થાય તેટલા પૂરતાં અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. હવે હું તમને વિદેશીઓ સમક્ષ હજી વધારે લજ્જિત થવા નહીં દઉ.
20 પણ હું આ સૈન્યોને ઉત્તરમાંથી ખસેડી અને તેઓને દૂર દેશમાં મોકલી દઇશ. હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં પાછા મોકલી દઇશ. તેઓમાંના અડધાને મૃત સરોવરમાં અને બાકીનાને ભૂમધ્ય સમુદ્રમાં ધકેલીશ. પછી તેઓ દુર્ગંધીત થશે અને તેમની ગંધ ઉચે ચઢશે કારણકે તેણે શકિતશાળી કાર્યો કર્યાં છે.”
21 હે ભૂમિ, ગભરાઇશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર. કારણકે યહોવાએ મહાન કાર્યો કર્યા છે.
22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ; કારણકે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંતા થશે.
23 હે સિયોનના લોકો, ખુશ થાઓ, તમારા યહોવા દેવના નામે આનંદ કરો; કારણકે તે તમારી સાથેના સંબંધના પ્રસ્થાપનના ચિહનરૂપે શરદઋતુનાં વરસાદો મોકલી રહ્યો છે. તે તમારા માટે વરસાદ વરસાવશે. ફરીથી, તે વસંત અને શરદઋતુમાં વરસાદ વરસાવશે.
24 ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી ઊભરાશે.
25 મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું-સામૂહિક તીડો, ફુદકતાં તીડો, વિનાશક તીડો, અને કાપતાં તીડો. તેમના દ્વારા નષ્ટ થયેલો પાક હું તમને પાછો આપીશ.
26 તમે ચોક્કસ ઘરાઇને ખાશો અને યહોવા દેવના નામની સ્તુતિ કરશો; જે તમારી સાથે અદ્ભૂત રીતે ર્વત્યા છે અને મારા લોકો ફરી કદી લજ્જિત નહિ થાય.
27 પછી તમને ખબર પડશે કે, હું ઇસ્રાએલમાં છું, ને હું તમારો દેવ યહોવા છું, ને બીજું કોઇ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.”
28 “ત્યાર પછી, હું મારો આત્મા બધા લોકો પર રેડીશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે, તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે અને યુવાનોને સંદર્શનો થશે.
29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો અને દાસીઓ ઉપર રેડીશ.
30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક નિશાનીઓ મૂકીશ, લોહી અને અગ્નિ તથા ધુમાડાના સ્તંભો
31 યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાઁ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે.
32 તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે, કારણ, યહોવાએ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર દીર્ધજીવીઓ થશે, અને યરૂશાલેમમાં બાકી રહેલાઓમાંથી જેને યહોવા બોલાવે. તેઓ ઉગરી જશે.