1 યોહાનનો પત્ર

1 2 3 4 5


પ્રકરણ 1

હવે અમે તમને જગતના આરંભકાળ પહેલા જે કોઈ વસ્તુઓનું અસ્તિત્વ હતું તે વિષે કહીએ છીએ આ અમે સાંભળ્યું છે, અમે પોતાની આંખો વડે જોયું છે, અમે નિહાળ્યું છે, અમે અમારા હાથે સ્પર્શ કર્યો છે. અમે તમને તે શબ્દ (ખ્રિસ્ત) જે જીવન આપે છે તે વિષે લખીએ છીએ.
2 તે જીવન અમને બતાવ્યું છે. અમે તે જોયું છે. અમે તે વિષે સાક્ષી આપી શકીએ છીએ. હવે અમે તમને તે જીવન વિષે કહીએ છીએ. તે જીવન જે અનંતકાળનું છે. આ તે જીવન છે જે દેવ બાપ સાથે હતું. દેવે આપણને આ જીવન બતાવ્યું છે.
3 હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ.જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અનેસંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો.
4 અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.
5 અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી.
6 તેથી જો આપણે કહીએ કે આપણને દેવ સાથે સંગત છે અને આપણે અંધકારમાં જીવીએ તો પછી આપણે જૂઠાં છીએ. આપણે સત્યને અનુસરતા નથી.
7 દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.
8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.
9 પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે.
10 જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.