દારિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12


પ્રકરણ 5

રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો.
2 દ્રાક્ષારસ પીતાં પીતાં બેલ્શાસ્સારને યાદ આવ્યું કે, ઘણા સમય પહેલાં તેના પિતા નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી સોના ચાંદીના પાત્રો લૂંટી લાવ્યા હતા. તેણે એ પાત્રોને ઉજાણીમાં લઇ આવવાની આજ્ઞા કરી, જેથી તે અને તેના ઉમરાવો તથા તેની પત્નીઓ અને ઉપપત્નિઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પી શકે.
3 યરૂશાલેમના મંદિરમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો હાજર કરવામાં આવ્યાં અને રાજાએ તથા તેના ઉમરાવોએ તે પાત્રોમાં દ્રાક્ષારસ પીધો.
4 દ્રાક્ષારસ પીને તેઓ સોનાચાંદી, કાંસાની અને લોઢાની તથા લાકડામાંથી બનાવેલ મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.
5 તે સમયે અચાનક કોઇ માણસના હાથની આંગળીઓ દીવીની સામે આવેલી રાજમહેલની ભીંત ઉપર કાંઇ લખતી દેખાઇ, અને રાજા હાથને લખતો જોઇ રહ્યો.
6 તે ભયથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનાં ગાત્રો શિથિલ થઇ ગયાં, અને તેના ઢીંચણ એકબીજા સાથે અથડાવા લાગ્યાં.
7 રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, “મંત્રવિદો, અને જાદુગરોને બોલાવી લાવો.” રાજાએ બાબિલના બુદ્ધિમાન પુરુષોને કહ્યું, “જે કોઇ આ લખાણ વાંચી શકશે અને એનો અર્થ મને કહી શકશે, તેને હું જાંબુડિયા રંગનો ઝભ્ભો અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન પામશે.”
8 પછી રાજાના સર્વ બુદ્ધિમાનો ત્યાં હાજર થઇ ગયાં, પણ તેઓમાંનો એક પણ બુદ્ધિમાન પુરુષ તે લખાણ વાંચી શક્યો નહિ. તથા સમજી શક્યો નહિ તેથી રાજાને તેઓ કશું સમજાવી ન શક્યા.
9 તેથી રાજા બેલ્શાસ્સાર ખૂબ ભયભીત થઇ ગયો અને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના અધિકારીઓ પણ બહુ ગભરાઇ ગયા.
10 જ્યારે રાજમાતાએ જે થઇ રહ્યું હતું તે સાંભળ્યું ત્યારે તે તરત જ ઉજાણીના ખંડમાં દોડી આવી; તેણે બેલ્શાસ્સારને કહ્યું, “હે રાજા તમે ઘણું જીવો! તમે ગભરાઇ જશો નહિ. તમારે ફિક્કા પડી જવાની જરૂર નથી.
11 તમારા રાજ્યમાં એક માણસ એવો છે, જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના સમયમાં એ માણસ દિવ્યજ્ઞાન, બુદ્ધિમતા, અને હોશિયારી માટે જાણીતો હતો અને તમારા પિતા નબૂખાદનેસ્સારે એને જાદુગરો, મંત્રવિદોનો અધ્યક્ષ બનાવ્યો હતો.
12 તે માણસનું નામ દાનિયેલ છે પરંતુ રાજાએ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનું મન દૈવી જ્ઞાન અને સમજશકિતથી ભરેલું છે. તે સ્વપ્નનું અર્થઘટન કરી શકે છે. સમસ્યાઓને ઉકેલી શકે છે. અને કઠીન કોયડાઓને હલ કરી શકે છે. તે આ લખાણનો અર્થ શો છે તે તમને સમજાવશે.”
13 તેથી તાત્કાલીક દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા નબૂખાદનેસ્સાર રાજા ઇસ્રાએલમાંથી યહૂદી બંદીવાનોને લાવ્યા હતાં, તેઓમાંનો દાનિયેલ તે તું છે?
14 મેં એમ સાંભળ્યું છે કે, તારામાં પવિત્ર દૈવી આત્મા છે, અને તું દિવ્યજ્ઞાન, બુદ્ધિમતા, અને હોશિયારી ધરાવે છે.
15 દીવાલ પરનું લખાણ વાંચી તેનો અર્થ મને સમજાવવા માટે મારી પાસે બુદ્ધિમાન માણસોને અને મંત્રવિદોને લાવવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ તેનો અર્થ સમજાવી શક્યા ન હતા.
16 પરંતુ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું દરેક પ્રકારના રહસ્યોને ઉકેલે છે, જો તું મને તે શબ્દનો અર્થ કહેશે તો, હું તને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવીશ અને તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવીશ અને રાજ્યમાં તને ત્રીજો અધિકારી બનાવીશ.”
17 ત્યારે દાનિયલે રાજાને જવાબ આપ્યો, “આપનું ઇનામ ભલે આપની પાસે જ રહેતું અને આપનાં ઇનામો આપ ભલે બીજા કોઇને આપો. તેમ છતાં હું આપને આ લખાણ વાંચી સંભળાવીશ અને એનો અર્થ આપને કહી બતાવીશ.
18 “હે રાજા, પરાત્પર દેવે તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાને રાજ્યો, સત્તા, મહિમા, માન અને ગૌરવ આપ્યા હતાં.
19 દેવે તેને એવો મોટો બનાવ્યો હતો કે, બધી પ્રજાઓ અને બધી ભાષાઓ બોલનારા લોકો તેનાથી ભય પામી થરથર ધ્રુજતા હતા. તે ઇચ્છે તેને મારી નાખતો, અને ઇચ્છે તેને જીવાડતો હતો, ઇચ્છે તેને ઊંચે ચઢાવતો હતો, અને ઇચ્છે તેને પાડતો હતો.
20 “પણ જ્યારે અભિમાનને લીધે તેમનાં હૃદય અને મન કઠણ થયાં, ત્યારે તેમને રાજ્યાસન પરથી દૂર કરવામાં આવ્યાં અને તેમનો મહિમા લઇ લેવામાં આવ્યો.
21 “તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેનું મન પશુ સમાન થઇ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતો હતો, તેને જંગલી ગધેડા ભેગું રહેવું પડ્યું અને ખુલ્લા આકાશ નીચે સૂવાને લીધે ઝાકળથી પલળવું પડ્યું. આખરે તેને સમજાયું કે, પરાત્પર દેવ માનવોના રાજ્યમાં સવોર્પરી છે, અને ઇચ્છે તેને રાજ્ય સોંપે છે.
22 “હે બેલ્શાસ્સાર તમે તેમના જ પુત્ર છો અને તમે આ બધું જાણ્યાં છતાં, આપે નમ્રતા ધારણ કરી નથી.
23 ઊલ્ટું તમે સ્વર્ગાધિપતિ યહોવાની સામે માથું ઊંચક્યું છે. તેમના મંદિરનાઁ આ પાત્રો અહીં લાવીને તમે, તમારા અધિકારીઓને, આપની પત્નીઓ અને ઉપપત્નીઓને તે પાત્રોમાં દ્રાક્ષારસ પીવડાવ્યો છે. વળી તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા અને પથ્થરની મૂર્તિઓની પૂજા કરી છે, જે કંઇપણ જોઇ કે, સાંભળી શકતી નથી. જેણે તમારામાં જીવનનો શ્વાસ મૂક્યો છે અને જેના હાથમાં તમારું ભવિષ્ય છે, તે દેવને તમે માન આપ્યું નથી.
24 તેથી તેણે આ હાથને મોકલીને આ લખાણ લખાવ્યું છે.
25 તે લખાણ આ છે: મેને, મેને, તકેલ, ઉફાસીર્ન.
26 એનો અર્થ છે: “મેને; એનો અર્થ એ છે કે, દેવે આપના રાજ્યના દિવસો ગણ્યા છે અને તેનો અંત આણ્યો છે.
27 તકેલ અર્થાત્ વજન કરેલું, જોખેલું, તમને દેવના ત્રાજવામાં તોળવામાં આવ્યા છે, અને તમે ઓછા માલૂમ પડ્યા છો.
28 પેરસ અર્થાત્ ભાગલા પાડેલું; તમારા સામ્રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે અને મિદિયા અને પશિર્યાના લોકોને વહેંચી આપવામાં આવ્યા છે.”
29 ત્યારપછી બેલ્શાસ્સારની આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબલી ઝભ્ભો પહેરાવવામાં આવ્યો, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવી અને તેને રાજ્યમાં ત્રીજો અધિકારી જાહેર કરવામાં આવ્યો.
30 તે જ રાત્રે બાબિલના રાજા બેલ્શાસ્સારનો વધ થયો.
31 માદીના દાર્યાવેશે રાજ્યની રાજસત્તા સંભાળી. તેની ઉંમર આશરે બાસઠ વર્ષની હતી.