પ્રકટીકરણ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


પ્રકરણ 21

પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો.
2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે.
4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ.
7 તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે.
8 પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”
9 સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.”
10 તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો. તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું.
11 તે શહેર દેવના મહિમા સાથે પ્રકાશતું હતું. તે અતિ મૂલ્યવાન કિંમતી પથ્થર યાસપિસ જેવું ચમકતું તેજ હતું. તે સ્ફટિકના જેવું નિર્મળ હતું.
12 તે શહેરને એક મોટી અને ઊંચી બાર દરવાજા વાળી દિવાલ હતી. દરેક દરવાજા પાસે બાર દૂતો હતા. દરેક દરવાજા પર ઈસ્ત્રાએલ પુત્રોના બાર કુળોનાં નામ લખેલા હતા.
13 ત્યાં પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા, અને પશ્વિમમાં ત્રણ દરવાજા હતા.
14 શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.
15 તે દૂતે જેણે મારી સાથે વાત કરી. તેની પાસે માપ લેવા માટે સોનાની છડી હતી. તે દૂત પાસે તે શહેર, તેના દરવાજાઓ એને તેની દિવાલો માપવા આ છડી હતી.
16 તે શહેર ચોરસમાં બાંધવામાં આવ્યું હતું. તે દૂતે માપવાની છડી વડે શહેરને માપ્યું. તેની લંબાઇ તેની પહોળાઇ જેટલી હતી. તે શહેર 12,000 સ્ટેડીયાલાંબુ,12,000 સ્ટેડીયા પહોળું અને 12,000 સ્ટેડીયા ઊંચું હતું.
17 (તે દૂતે તેની દિવાલ માપી. તે 144 હાથ ઊંચીં લોકોના માપ પ્રમાણે હતી. તે માપનો ઉપયોગ દૂત કરતો હતો.)
18 તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું.
19 નગરની દિવાલમાં પાયાના પથ્થરોમાં દરેક જાતના કિંમતી પથ્થરો હતા. પ્રથમ પાયાનો પથ્થર યાસપિસ હતો, બીજો નીલમ હતો, ત્રીજો પાનું, ચોથો લીલમ હતો.
20 પાંચમો અકીક હતો, છઠો લાલ હતો. સાતમો પીળો તૃણમણિ હતો આઠમો પિરોજ હતો, નવમો પોખરાજ હતો. દશમો લસણિયો હતો. અગિયારમો શનિ હતો, બારમો યાકૂવ હતો.
21 ત્યાં બાર દરવાજા અને બાર મોતી હતાં, દરેક દરવાજો એક એક મોતીમાંથી બનાવ્યો હતો. તે શહેરની શેરી શુદ્ધ સોનામાંથી બનાવાઈ હતી. સોનું નિર્મળ કાચના જેવું હતું.
22 મેં શહેરમાં મંદિર જોયું નહિ કારણ કે તે પ્રભુ દેવ સર્વશક્તિમાન અને હલવાન (ઈસુ) એ જ મંદિર છે.
23 તે શહેર પર સૂર્યને કે ચંદ્રને પ્રકાશવાની જરૂર નથી. દેવનો મહિમા શહેરને પ્રકાશ આપે છે. તે હલવાન શહેરનો દીવો છે.
24 દુનિયાના લોકો તેના પ્રકાશમાં ચાલશે. પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ શહેરમાં લાવશે.
25 તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી.
26 સર્વ પ્રજાઓનું ગૌરવ અને સન્માન શહેરમાં લવાશે.
27 શહેરમાં કદાપિ અશુદ્ધ પ્રવેશ કરશે નહિ. જે વ્યક્તિ શરમજનક કાર્યો કરે છે અથવા જૂઠું બોલે છે તે આ શહેરમાં પ્રવેશ કરશે જ નહિ. ફક્ત તે જ લોકો જેઓનાં નામો હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.