યશાયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66


પ્રકરણ 8

યહોવાએ મને કહ્યું, “એક મોટું ટીપણું લઇને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’એમ બધા વાંચી શકે તે પ્રમાણે મોટા અક્ષરે સાદી ભાષામાં લખ.”‘
2 અને યાજક ઊરિયાને અને બેરેખ્યાના પુત્ર ઝર્ખાયાને તે લખાય તે દરમ્યાન સાક્ષી તરીકે રહેવાનું મેં પૂછયું, કારણ કે તેઓ વિશ્વાસુ માણસો છે.
3 પછી મેં પ્રબોધિકા સાથે ગયો, તેને ગર્ભ રહ્યો અને પુત્ર અવતર્યો. પછી યહોવાએ મને કહ્યું, “તું એનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ રાખ.
4 કારણ કે એ ‘બા’ કે ‘બાપા’ બોલતો થાય તે પહેલાં દમસ્કની સંપત્તિ અને સમરૂનની લૂંટ ઉપાડીને આશ્શૂરના રાજા સમક્ષ લઇ જવામાં આવશે.”
5 ફરી વાર યહોવા મારા દેવે મારી સાથે વાત કરી અને કહ્યું,
6 “કારણ કે યરૂશાલેમના લોકો મદદ માટે મારા પર આધાર રાખતા નથી જે શિલોઆહના સ્થિર પાણી જેમ છે. ઉલ્ટાનું, તેઓ રસીન અને રમાલ્યાના પુત્રથી ડરેલા છે.”
7 તેથી હું યહોવા યહૂદા પર ફ્રાત નદીના ધસમસતાં અને વેગીલા જળપ્રવાહને લઇને આવીશ, હું આશ્શૂરના રાજા તથા તેના સમગ્ર બળવાન સૈન્ય સાથે આવીશ. જળપ્રવાહ ઉભરાઇ જશે અને સમગ્ર તટ પ્રદેશને સપાટામાં લઇ લેશે.
8 તે યહૂદામાં ધસી જશે, અને આગળ વધતા વધતા તે તેના ગળા સુધી પહોંચશે, અને તેના પાણી તમારી સમગ્ર ભૂમિમાં ફરી વળશે અને તેને ભરી દેશે. પરંતુ દેવ આપણી સાથે છે, તારા આખો દેશ ભરપૂર થઇ જશે!
9 હે રાષ્ટો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ, તમે છિન્નભિન્ન થઇ જશો, હે દૂરના રાષ્ટો, તમે બધા સાંભળો; અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા, અને નાશ પામો!
10 અમારી સામે આક્રમણ કરવાની યોજનાઓ તૈયાર કરો, તમારી વ્યૂહરચનાઓ વિકસાવો, સભાઓ બોલાવો; અને નાશ પામો! કારણ કે યહોવા અમારી સાથે છે.
11 યહોવાએ મને જોરથી પકડીને એ લોકોને માગેર્ જતો રોક્યો, અને મને આ મુજબ કહ્યું,
12 “કહેવાતા કાવતરાઁની જેનાથી આ લોકો ડરે છે, ચિંતા કરશો નહિ તે લોકો જેનો ડર રાખે છે, તેનાથી ગભરાશો નહિ:
13 તમારે તો માત્ર મને, સૈન્યોનો દેવ યહોવાને જ પવિત્ર માનવો. અને મારાથી જ ડરીને ચાલવું.
14 તમારે માટે પવિત્રસ્થાન હોવા છતાં એ લોકો માટે હું એવા પથરારૂપ થઇ પડીશ જેની સાથે તેઓ ભટકાય; એની સાથે જ ઇસ્રાએલના, યહૂદાના અને યરૂશાલેમના લોકો અથડાશે અને એના ઉપર જ ઠોકર ખાશે, એ લોકોને માટે હું ફાંસલા અને જાળ જેવો બની રહીશ.
15 તેઓમાંના ઘણા ઠોકર ખાઇને પટકાશે અને છિન્નભિન્ન થઇ જશે. ઘણા જાળમાં સપડાશે અને પકડાશે.”
16 “આ કરાર હું બંધ કરી દઉં છું. આ શિક્ષણને મહોર મારીને મારા શિષ્યોને સુપ્રત કરું છું.”
17 યહોવાની સહાય માટે હું આશા રાખીશ. જો કે હાલમાં તે પોતાનું મુખ યાકૂબનાં સંતાનોથી સંતાડે છે છતાં પણ મારી આશા ફકત તેમનામાં જ છે.
18 હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.
19 જ્યારે તેઓ તમને કહે કે, “ભૂવાઓ પાસે, ને ઝીણે સાદે બડબડનાર જંતરમંતર કરનારની પાસે જઇને ખબર કાઢો; ત્યારે મારે જવાબ આપવો કે, લોકોએ પોતાના દેવની પાસે જઇને ખબર કાઢવી નહિ? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?”
20 આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ.
21 ભૂખથી અને દુ:ખથી પીડાતા લોકો આખા દેશમાં ભટકશે. ભૂખના માર્યા ગુસ્સે થઇને તેઓ પોતાના રાજાને અને દેવને શાપ આપશે, અને ઊંચે આકાશ તરફ જોશે;
22 અને નીચે પૃથ્વી પર નજર કરશે તો, અલબત્ત દરેક જગાએ તેઓને દુ:ખ, અભેદ્ય અંધકાર અને વેદના જ મળશે. તેમને અંધકારમાં ધકેલી દેવામાં આવશે.