ચર્મિયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52


પ્રકરણ 49

આમ્મોનના લોકો વિષે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલનું રક્ષણ કરનાર કોઇ વારસ નથી? શું તેને કોઇ પુત્રો નથી? તો પછી મિલ્કોમદેવના પૂજકોને ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાં વસવા દે?
2 તેથી એવો સમય આવી રહ્યો છે, જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે, એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે, અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે કરનારાઓની ભૂમિ કબજે કરશે.” આ હું યહોવા બોલું છું.
3 હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.
4 તમારી ખીણોનું તમને અભિમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે. હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે,’ કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”
5 પરંતુ સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ, તને આખી દુનિયામાં ચારેબાજુ દેશ નિકાલ માટે હાંકી કાઢવામાં આવશે. અને તારા શરણાથીર્ઓની સંભાળ રાખનારું કોઇ નહિ હોય.”
6 “પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે.
7 અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?
8 તેમની અક્કલ બહેર મારી ગઇ છે? દદાનના રહેવાસીઓ, પાસુ ફરીને દોડો. સંતાઇ જાઓ! કારણ, એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેમના પર વિનાશ ઉતારનાર છું,
9 જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.
10 પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ. સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ, તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે.
11 એમ કહેનાર કોઇ નહિ હોય કે, “તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”
12 યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,”
13 કારણ, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે “બોસ્રાહની દશા જોઇને લોકો હબકાઇ જશે, તેની હાંસી ઉડાવશે; તે વેરાન થઇ જશે અને લોકોમાં તેનું નામ શાપરૂપ લેખાશે. એના બધાં ગામો કાયમ માટે ખંડેર થઇ જશે.”
14 મેં યહોવા પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, “તેમણે બધાં રાજ્યોમાં સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું છે કે, અદોમની વિરુદ્ધ સર્વ એકત્રીત થાઓ અને તેનો નાશ કરો.”
15 યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટો વચ્ચે તુચ્છ બનાવીશ અને માનવજાત દ્વારા તિરસ્કૃત બનાવીશ.
16 તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે, તેથી, તારી માથાભારે તુમાખીએ અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવા કહે છે.
17 “તેથી અદોમ માનને પાત્ર બનશે. ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે.
18 સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે; પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.” આ યહોવાના વચન છે.
19 “જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?”
20 માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે, તે સાંભળી લો; અને જેઓ તેમાનમાં રહે છે તેમની વિરુદ્ધ મેં ઘડેલી યોજના વિષે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેમાન નસીબે તેમના ઘેટાંના વાડાને પણ ભયત્રસ્ત કરવામાં આવશે.
21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે.
22 સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.”
23 દમસ્ક વિષે યહોવાની વાણી: “હમાથ અને આર્પાદ નગરો ભયથી મૂંજાઇ ગયા છે, તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. ચિંતાથી તેઓ સાગરની જેમ ખળભળી ઊઠયા છે. તેમને નિરાંત વળતી નથી.
24 દમસ્ક લાચાર બની ગયું છે. તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય, પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે.
25 આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.”
26 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો નગર ચોકમાં મૃત્યુ પામશે. અને એના બધા યોદ્ધાઓ હારી જશે.
27 અને હું દમસ્કની દીવાલો પર આગ લગાડીશ અને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”
28 બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,“ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો; પૂર્વના એ લોકોનો સંહાર કરો.
29 તેઓનાં ઘેટાંબકરાં, તંબુઓ તથા ઘરનો સર્વ સામાન કબજે કરવામાં આવશે, તેઓનાં ઊંટોને લઇ જવામાં આવશે; ચારેબાજુ ભયની ચીસો પડશે, આપણે ચારેબાજુથી ઘેરાઇ ગયા છીએ અને આપણું પતન થયું છે.”
30 યહોવા કહે છે: “ભાગો ભાગો, તમારો જીવ બચાવવા નાસી જાઓ. હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ! કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે.
31 યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ઊઠો, અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે, તેમના નગરોને દરવાજા કે સળિયા નથી અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’
32 તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો! હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” આ યહોવાના વચન છે.
33 “હાસોર શિયાળવાંની બોડ બની જશે, કાયમ માટે તે વેરાન પ્રદેશ બની જશે, કોઇ ત્યાં વસશે નહિ કે કોઇ ત્યાં ઘર નહિ બનાવે.” આ યહોવાના વચન છે.
34 યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યમિર્યાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો.
35 “આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. એલામનું બળ એનું ધનુષ્ય છે, હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું.
36 અને એલામના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ. તેઓ દેશનિકાલ થઇ વિશ્વના સર્વ દેશોમાં ફેલાઇ જશે.”
37 યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા તાકતા એના દુશ્મનોથી એને હું ભયભીત બનાવી દઈશ. હું ભયંકર રોષે ભરાઇ તેમના પર આફત ઉતારીશ, તેઓ જડમૂળથી ઊખડી જાય ત્યાં સુધી હું તેમના પર યુદ્ધ મોકલ્યા કરીશ.” આ યહોવાના વચન છે.
38 યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ. અને ત્યાંના રાજાનો અને અમલદારોનો સંહાર કરી નાખીશ.” આ યહોવાના વચન છે.
39 “પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ. હું તે લોકોને પાછા લાવીશ.” એમ યહોવા કહે છે.