ચર્મિયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52


પ્રકરણ 51

યહોવા કહે છે કે, “જુઓ, હું બાબિલની વિરુદ્ધ, તથા ખાલદીઓના સમગ્ર દેશની વિરુદ્ધ હું વિનાશક વાયુ લાવીશ અને તે તેઓનો નાશ કરશે.
2 હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે, વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે.
3 ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય. તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો, તેમના સૈન્યનો નાશ કરો.
4 ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઇને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.”
5 કારણ કે, ઇસ્રાએલને તેમના સૈન્યોનો દેવ યહોવા નીચું નહિ પાડે. બાબિલની ભૂમિ ઇસ્રાએલના સૈન્યોનો યહોવા દેવની વિરુદ્ધ અપરાધોથી ભરેલી છે.
6 બાબિલમાંથી ભાગી જાઓ! સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
7 બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને તેઓ ઘેલા થયા.
8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધી લઇ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.
9 બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. એને છોડી દઇને, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કારણ કે તે અમાપ સજાને પાત્ર છે.
10 યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.
11 તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.
12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો. ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો, કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
13 તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.
14 સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.”
15 યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના જ્ઞાનથી તેને સ્થિર કરીને સ્થાપી છે, પોતાના કૌશલથી આકાશને ફેલાવ્યું છે.
16 જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે, અનેે પવનને મોકલે છે.
17 તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેમને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઇને લજ્જિત થાય છે, કારણ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે.
18 મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; દેવ તેમને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.
19 પરંતુ યાકૂબનો દેવ એવો નથી; તે તો સમગ્ર સૃષ્ટિનો સર્જક છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે, તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.
20 યહોવા કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે; તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ; અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;
21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ,
22 અને હા, સામાન્ય લોકોને પણ, એટલે વૃદ્ધોને તથા જુવાનોને, છોકરાઓને તથા કન્યાઓને,
23 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.
24 બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને, તેમણે સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એમ યહોવા કહે છે.
25 યહોવા કહે છે, “હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ, અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઇશ.
26 તારો કોઇ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય. તું સદાને માટે ખંડેર રહેશે.” આ હું યહોવા બોલું છું.
27 “પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
28 તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ, અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર.
29 પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે, કારણ કે યહોવા બાબિલને નિર્જન વગડાઉ સ્થળ બનાવવાની તેની યોજના પાર પાડે છે.
30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.
31 “આખું શહેર કબ્જે થઇ ગયું છે” તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક રાજા પાસે દોડી આવ્યા છે!
32 નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબ્જે કરાયા છે. બરૂની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, અને સૈનિકો ગભરાઇ ગયા છે.”
33 ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: “બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”
34 યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.”
35 યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”
36 આથી યહોવા પોતાના લોકોને કહે છે, “હું જાતે તમારો પક્ષ લઇશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ,
37 અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ. જ્યાં શિયાળવાં આવીને વસશે. લોકો તેની હાંસી અને નાલેશી કરશે અને કોઇ ત્યાં વાસો કરશે નહિ.
38 બાબિલવાસીઓ બધા ભેગા થઇને સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાંની જેમ ઘૂરઘૂરાટ કરે છે.
39 જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે.
40 “હું તેઓને કતલ માટે લઇ જવાતા ઘેટાંઓની જેમ લઇ જઇશ.”
41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.
42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
43 તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઇ ગયો છે. ત્યાં કોઇ રહેતું નથી અને તેમાં થઇને યાત્રીઓ પણ પસાર થતા નથી.”
44 યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાના ભયંકર રોષમાંથી જીવ બચાવવા સૌ ભાગી જાઓ!
46 હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઇ જશો નહિ, એક વરસે એક અફવા ફેલાય છે, અને બીજે વરસે બીજી- દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યો છે.
47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
48 ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે, અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ તેમાંનું સર્વ કઇં બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે.” આ યહોવાના વચન છે.
49 “બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી.
50 તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો, તે ભાગી જાઓ! રોકાશો નહિ! દૂર દેશમાં યહોવાને સંભારજો, અને યરૂશાલેમને ભૂલશો નહિ.”
51 લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ, આપણે લજ્જિત થયા છીએ, કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”
52 તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘવાયેલાઓનો આર્તનાદ સંભળાતો હશે.
53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ હું તેને હતું ન હતું કરી નાખવા માણસો મોકલીશ.” આ યહોવાના વચન છે.
54 “સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર, અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો.
55 યહોવા બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
56 હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.”
57 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
58 બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણાં લોકોએ પોતાની જાતને ધસી નાખી હતી તે બધું ભસ્મ થઇ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
59 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યમિર્યા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો.
60 યમિર્યાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.
61 તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે,
62 ‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’
63 જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે,
64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.”‘અહીં યમિર્યાના વચન પૂરા થાય છે.