ચર્મિયા

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52


પ્રકરણ 50

યહોવાએ યમિર્યા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો,
2 “સર્વ પ્રજાઓને આ સંદેશો કહો! ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો, છુપાવશો નહિ, ખબર આપો કે, ‘બાબિલ જીતાયું છે, બઆલ દેવની બેઆબરું થઇ છે, મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે; બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે, તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’
3 કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે; તેઓ એ દેશને વેરાન બનાવી દેશે, જ્યાં કોઇ રહેશે નહિ, જ્યાંથી માણસો અને પશુઓ ભાગી જશે.”
4 યહોવા કહે છે, “તે દિવસોમાં, તે સમયે, તેઓ સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે. તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ.
5 તેઓ સિયોનના માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવા સાથેના સંબંધમાં જોડાઇએ.’
6 “મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓના ઘેટાં પાળકોએ તેમને ભૂલા પડવા દીધા, અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધા, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયા અને વાડામાં કઇ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.
7 જે કોઇએ તેમને જોયા, તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા, અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ, કારણ કે તેમણે યહોવા તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે.
8 ઇસ્રાએલના લોકો બાબિલમાંથી ભાગી જાઓ! ટોળાને દોરતા બકરાની જેમ આગળ થાઓ.
9 કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું. તેઓ ઉત્તરમાંથી આવી એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે. તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે.
10 બાબિલ લૂંટી લેવામાં આવશે અને એને લૂંટનારા ધરાઇ જાય ત્યાં સુધી લૂંટ ચલાવશે.” આ યહોવાના વચન છે.
11 યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ, તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે; તમે ભલે આનંદ માણો અને મોજ કરો, ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો;
12 તેમ છતાં તમારી માતૃભૂમિ બાબિલને બેઆબરૂ કરવામાં આવશે. તમારા જન્મદાતાઓની નામોશી કરવામાં આવશે; બીજી બધી સમૂહની પ્રજાઓમાં બાબિલનું સ્થાન સૌથી છેલ્લું રહેશે. તમારી ભૂમિ વેરાન સૂકું રણ બની જશે.
13 મારા ક્રોધને કારણે તે નિર્જન બની જશે, તે વેરાન વગડો બની જશે. બાબિલ થઇને જતા સૌ કોઇ તેની હાલત જોઇને ભયભીત થઇ જશે અને તેના સર્વનાશને કારણે તેઓ સિસકારા બોલાવશે.
14 બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ, તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ! તીર વરસાવો, અચકાશો નહિ, કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.
15 તેની ચારે બાજુએથી રણનાદ જગાવો, જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે! તેનો કોટ પડી ગયો છે, યહોવાએ બદલો લીધો છે, તેણે કર્યું હતું તેવું જ તેને કરો!
16 બાબિલમાં કોઇને વાવવા કે લણવા દેશો નહિ. લોહીતરસી તરવારથી ભાગીને ત્યાંના બધા વિદેશીઓ પોતાના વતનમાં પાછા જશે.
17 ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”
18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મેં જે રીતે આશ્શૂરના રાજાને સજા કરી હતી તે રીતે બાબિલના રાજાને અને તેના દેશને પણ સજા કરીશ.
19 હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ, તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે. તેની ભૂખ એફ્રાઇમ અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.”
20 “જ્યારે એ સમય આવશે ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે, યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે, કારણ કે, જેમને હું જીવતા રહેવા દઇશ તેમને માફ કરીશ.” આ યહોવાના વચન છે.
21 યહોવા કહે છે, “મેરાથાઇમના અને પેકોદના વતનીઓ પીછો પકડો, ચઢાઇ કરો, બંડખોર દેશ બાબિલનો હું ન્યાય કરવાનો છું; મેં તમને આજ્ઞા કરી છે તે પ્રમાણે તેઓનો સંહાર કરો.
22 દેશમાં રણનાદ ગાજે છે અને ભયંકર વિનાશ થઇ રહ્યો છે.
23 બાબિલને હથોડા સમાન બનીને જગતના દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા. હવે તે હથોડો ભાંગી ગયો છે. બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે.
24 હે બાબિલ! મેં તારા માટે જાળ બિછાવી હતી અને તું તેમાં સપડાઇ ગયો છે. કારણ કે તેં યહોવાની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
25 યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢયા છે. બાબિલ પર જે આફત આવી પડશે તે યહોવા દેવ સૈન્યોનો દેવ તરફથી હશે.
26 હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો; તેના અનાજના ભંડારો ખોલી નાખો, લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો, એનો નાશ કરો; કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો, કોઇ બાકી ન રહે,
27 તેના સર્વ ઢોરઢાંખરને પણ મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો! એમના દિવસો ભરાઇ ચૂક્યા છે! તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.
28 ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ, દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા. જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે તેના પર દેવે વૈર વાળ્યું છે.
29 બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો, ધનુષ્યબાણ ચલાવનારા સૌ કોઇ નગરને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઇ ભાગી જવા પામે નહિ, તેના કૃત્યોનો તેને બદલો આપો, એણે બીજાની જે દશા કરી છે તે એની કરો. કારણ કે, એ મારા પ્રત્યે ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા પ્રત્યે તોછડાઇથી વત્ર્યો છે.
30 તેથી યુવાન માણસો ચોકમાં માર્યા જશે. તેના તે જ દિવસે, તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” આ યહોવાના વચન છે.
31 આપણા પ્રભુ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે અભિમાની લોકો! હું તમારી વિરુદ્ધ છું. હવે તમને શિક્ષા કરવાનો સમય આવી ગયો છે.
32 હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઇને પડશે, કોઇ તને મદદ નહિ કરે! હું તારા ગામોમાં આગ લગાડીશ અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.”
33 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે, “ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે; તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી.
34 પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે. તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે. તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે. પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”
35 યહોવા કહે છે, “બાબિલવાસીઓને માથે, બાબિલના વતનીઓને માથે, તેના આગેવાનો અને સમજણા પુરુષોને માથે તરવાર ઝઝૂમે છે.
36 તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમના હાથ હેઠા પડશે.
37 તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે. બીજા મિત્ર દેશોમાંથી આવેલા યોદ્ધાઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે, તેની સર્વ સંપત્તિ લૂંટાઇ જશે.
38 તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે? કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના પ્રેમમાં પાગલ થઇ ગયા છે.
39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.”
40 યહોવા કહે છે કે, “જેમ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું બાબિલનો નાશ કરીશ. તે સમયથી તે નગરોમાં કોઇ વસવાટ કરતું નથી, એવી જ રીતે ફરીથી કોઇ બાબિલમાં વસશે નહિ.
41 જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા, એક બળવાન પ્રજા આવી રહી છે; પૃથ્વીને દૂરને છેડે મોટા મોટા રાજાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.
42 લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ ગર્જના કરતા આવે છે. એકેએક માણસ, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.
43 જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યાં ત્યારે તેના હાથ લાચાર થઇને હેઠા પડ્યા. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ એકાએક આવી પડેલા ભયને કારણે તે તીવ્ર વેદનાથી પીડાવા લાગ્યો.”
44 યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં ઘેટાં પર સિંહ તરાપ મારે, તે જ પ્રમાણે હું બાબિલની પર ત્રાટકીશ મને જે કોઇ ગમશે તેને હું તેમની પર નીમીશ. મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે?”
45 માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે; તે સાંભળી લો; અને ખાલ્દીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઇ જશે અને તેમના નસીબે તેમના ઘેટાંના વાડાને ભયગ્રસ્ત કરાશે.
46 બાબિલના પતનથી સમગ્ર પૃથ્વી થથરી ઉઠશે અને તેનો આર્તનાદ બધી પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.